કોઈ શિક્ષક, કોઈ ખેડૂત તો કોઈ નોકરિયાત… વ્યવસાય જુદા પણ લક્ષ્ય એક - બીજ સંવર્ધન. નવજીવન પ્રાંગણ (અમદાવાદ)માં રવિવારે ભરાતી સૃષ્ટિ હાટમાં આજે બીજ વિશેષ દિવસ હતો. અહીં શાકભાજી, વૃક્ષોના જાતભાતના બીજ પ્રદર્શિત કરાયા હતા. એટલું જ નહીં બીજ સંવર્ધનનું કામ કરનારા વિનામૂલ્યે બીજ વહેચતા પણ હતા.
રોજેરોજ મોજ માટે પાણીની જેમ પૈસા રેડતો અબજોપતિ પરિવારનો ફાંકડો છોકરો અને ક્લબમાં કામ કરતી સ્ટ્રીપરની વાર્તા...ફિલ્મ શરૂ થાય છે અને આશરે ચાળીસેક મિનિટ પછી ફાટે છે ડ્રામાનો જ્વાલામુખી. અને ડ્રામા પણ કેવો? હજુ થોડી સેકન્ડો પહેલા ‘હાય, હલો, વૉટ્સ યૉર નેમ? જેવી ફોર્મલ વાતો કરતા બે પાત્ર થોડીવારમાં એકમેકને મારવા મરણિયા બને છે અને આ જ બે કેરેક્ટર વચ્ચેની કેમેસ્ટ્રી ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં આખેઆખી બદલાઈ જાય છે. આખી ફિલ્મ દરમિયાન લીડ એક્ટ્રેસ માઇકી મેડિસન પર એકથી વધુ વખત ઓવારી જવાશે. ફિલ્મ પૂરી થાય ત્યારે ખ્યાલ આવે કે 26 વર્ષની આ છોકરીએ એના કેરેક્ટરને કઈ હદે આત્મસાત કર્યું છે. અને એટલે જ 2024માં આવેલી ફિલ્મ ‘અનોરા’ માટે માઇકીની બેસ્ટ એક્ટ્રેસનો ઑસ્કર મળ્યો હતો. નેટફ્લિક્સ પર છે.
જૂની કહેવત: ખાડિયામાં વાગે તો ગાયકવાડમાં અવાજ આવે.
(જોકે અહીં ભાજપની હાર માટે આંતરિક હુંસાતુસી, ભાજપ નેતાની દાદાગીરીનો ત્રાસ જવાબદાર છે એવું જાણકારો માને છે.)
દેશને એવા દાનવીરોની જરૂર છે જે ગરીબોમાં નેટફ્લિક્સ, સ્પૉટિફાય કે MUBIનું સબસ્ક્રિપ્શન વહેંચે. રાહતદરે કિન્ડલ વિતરણના કેમ્પ લગાવે અને ઇ-બૂકના રેકમન્ડેશન આપે. 😎
મિડલ ક્લાસનું થીમ સૉંગ...હપ્તા હુઆ નુરાની ચહેરા
આકરું તપ કર્યા પછી પ્રગટ થયેલા ઈશ્વરે મધ્યમ વર્ગના માણસને પૂછ્યું. બોલ, તારી શું ઈચ્છા છે? મધ્યમવર્ગીય માણસે માત્ર એટલી અરજ કરી. પ્રભુ ગમે તો કરો એબીસીડીમાંથી ત્રણ અક્ષર કાયમ માટે ગાયબ કરી દો. પ્રભુએ પૂછ્યું કયા ત્રણ અક્ષર? મિડલ ક્લાસ માણસનો જવાબ- ઇ, એમ અને આઇ. મધ્યવર્ગીય માણસની અરજ સામે ઈશ્વર પણ લાચાર હતો કારણ કે સ્પેશિયલ ચાર્જ ચૂકવીને દર્શન કરી આવેલો ધનિક આ ત્રણ અક્ષર એક નહીં બે વાર આવવા જોઈએ એવી અરજ કરી ચૂક્યો છે. મધ્યમ વર્ગનો માણસ પૃથ્વીલોક પર માત્ર બે કારણોસર અવતરે છે. વોટ આપવા અને હપ્તા ભરવા. બેન્કો ધનિકોને મસમોટી લોન આપી શકે એટલા માટે મિડલ ક્લાસ નિયમિત હપ્તા ભરે એ જરૂરી છે. વોટ આપવાના પુરસ્કાર તરીકે એ ખાડામાં પડે છે. અને હપ્તા ચૂકવવાના ઈનામ તરીકે એને વધુ એક લોનનો શિરપાવ મળે છે. કવિને બે-ચાર લોન લેવી પડી હોત તો એણે પણ ‘ગમતાંનું કરીએ ગુલાલ...’ના બદલે ‘હપ્તાનું કરીએ ગુલાલ..’ લખ્યું હોત. લોન એક એવી હપ્તાવાર નવલકથા છે જેનો દરેક હપ્તો ખિસ્સાખુવાર ખુનામરકીથી ભરપૂર કરૂણાંતિકા છે.
ઘર પરિવાર છોડીને જંગલમાં તપ કરવું સરળ છે. ઘરમાં રહીને ટૂંકા પગારમાં પત્ની, બાળકો, માતા-પિતાને રાજી રાખે છે એ ખરું મહાભિનિષ્ક્રમણ છે. મધ્યમ વર્ગીય માણસ ભલે દરિયાકાંઠે ન રહેતો હોય છતાં એ વ્યાજદરો વચ્ચે સતત ‘ફ્લોટિંગ’ કરતો રહે છે અને એમાં જ એ જાતને ‘ફ્લેક્સિબલ’ ફીલ કરે છે. મિડલ ક્લાસનો માણસ હપ્તે મળતો હોય તો તાજ મહેલ પણ ખરીદી લે અને એનું ચાલે તો દોઢ કિલો શાકના પણ ત્રણ મહિનાના હપ્તા કરાવી દે. વસ્તુ હપ્તે મળતી હતી એટલે ખરીદી લીધી એવું કહેનારા મધ્યમ વર્ગીય મહાનુભવો ઓછા નથી. એના બરડે ભલે મોંઘવારીના સોળ પડી ગયા હોય પણ એને આઇફોન સોળ વિના ચાલશે નહીં. કારણ કે સાઢુભાઈ પાસે આઇફોન પંદર છે અને સાળાના મેરેજ આવી રહ્યાં છે એટલે વટ પડવો જરૂરી છે. જેની પાસે મોંઘો ફોન હશે એ ફોટો પાડવા-પડાવવા માટે હંમેશા ઉત્સુક રહે છે.
સવાલ એ છે કે માણસને લોન લેવી કેમ પડે છે. ઉનાળામાં ‘એસી 18 ડિગ્રીએ છે, તો પણ ગરમી લાગે છે...’ એવું લખીને એસીનો ફોટો પૉસ્ટ કરનારા લોકો આડકતરી રીતે મારા ઘરે નવું એસી આવી ગયું છે એવી જાહેરાત સોશિયલ મીડિયા પર કરે છે. આ જોઈને પંખાથી કામ ચલાવી લેતા માણસને પણ એસી લેવાની ચાનક ચડે છે એના કારણે ‘ઘસાવાનું’ ક્રેડિટ કાર્ડના ભાગે આવે છે. પણ આ એક કારણ છે. જેમાં રોકડ વિના ચાલે એમ નથી એવા ખર્ચામાં માણસનો પગાર ખર્ચાઈ જાય છે. એટલે એ નાની કે મોટી લોન લઈને બાકીના ખર્ચા કાઢી લે છે. ‘પછી હપ્તા ભર્યા કરીશું’ એ માણસ જાતને કહીને અંતરાત્માની અપ્રુવલ મેળવી લે છે. પછી જ્યારે હપ્તાની કુલ રકમ પોતે લોનની રકમ જેટલી થઈ જાય ત્યારે આ જ અંતરાત્મા રાતે ઘોંઘાટ કરીને માણસને ઉંઘવા દેતો નથી.
જૂના વખતમાં આર્થિક તંગી ભોગવતો માણસ ભૂખ લાગે ત્યારે પચાસ રૂપિયાની થાળીના બદલે પાંચ રૂપિયાનું બિસ્કિટ ખાઈને કામ ચલાવી લેતો. હવેની આર્થિક ભીંસ જુદા પ્રકારની છે. એમાં પૈસા ખૂટી જતા માણસ પચાસ રૂપિયાની થાળીના બદલે દોઢસો રૂપિયાનું પાર્સલ ઓર્ડર કરીને કામ ચલાવે છે.
આ લૉજિક સમજાયું નહીં ને?
હવેની આર્થિક સંકડામણ રોકડની તંગીની છે. એટલે ખિસ્સામાં થાળી મગાવવાના પચાસ રૂપિયા તો ઠીક બિસ્કિટના પાંચ રૂપિયા પણ નથી. પણ ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ જરૂર છે. એટલે આર્થિક ભીંસ અનુભવતો માણસ રોકડ ખર્ચીને પેટ ભરવાના વિકલ્પ તરીકે ક્રેડિટ કાર્ડ વાપરીને ઑનલાઇન ઓર્ડર કરે છે, જેનો ખર્ચ સ્હેજેય સો-સવાસો રૂપિયાથી ઉપર હોય છે. ક્રેડિટ કાર્ડ એ મિડલ ક્લાસના માણસનું સૌથી મોટું ‘આધાર કાર્ડ’ છે. હવે એના પગરખા ઓછા અને ક્રેડિટ કાર્ડ વધુ ‘ઘસાય’ છે અને વ્યાજ નામનો રાતે ન વધે એટલો દિવસે વધે એવો દાનવ એની બધી આવક ઓહિયા કરતો રહે છે. પણ ખુવાર થવું મિડલ ક્લાસની નિયતી છે. એ વહેંચાયેલો છે એટલે વોટ બેન્ક નથી અને એટલે એને ભાગે રાહત મેળવવાનું નહીં પણ આહત થવાનું જ આવે છે. ઈશ્વર મધ્યમ વર્ગને વ્યાજમાં અડધો ટકો રાહત આપે.