ભારત પર્વ - 2025
તા. 1 થી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે...
ભારતની વિવિધ સાંસ્કૃતિક વિરાસત, ખાન-પાન પરંપરા અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે...
#BharatParv2025#BharatParv2025BOT
હાલમાં ચાલી રહેલ આપાતકાલિન પરિસ્થિતિ ધ્યાને લઇ માન. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બોટાદ દ્વારા તા.૦૯/૦૫/૨૫ના સમય ૧૭/૦૦ કલાક થી ૧૫/૦૫/૨૫ના ૨૪/૦૦ કલાક સુધી સમગ્ર બોટાદ જિલ્લામાં ડ્રોન ઉડાવવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા આજે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સરહદી વિસ્તારના કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી તેમજ બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપવાની સાથોસાથ આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા ઉપરાંત નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી તેમજ નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને તકેદારીના ભાગરૂપે પૂરતો સંગ્રહ કરી લેવા પણ સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિભાગ અને વાહનવ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ આપ્યા હતા તથા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબીલાઇઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ જિલ્લાના વડાઓને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું તેમજ લોકોને પણ ફક્ત સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો-સૂચનાઓ પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્રને એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી.
દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને નાગરિકોને કોઈ પણ પ્રકારનો ડર કે ગભરાટ રાખ્યા વિના તંત્ર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ સોશ્યલ મીડિયામાં આવતી ચકાસ્યા વિનાની બાબતોને આગળ ન ફેલાવવા પણ વિનંતી કરવામાં આવે છે.